
મહાત્મય
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् । देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ॥
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દિવ્ય સંદેશ કોઈ એક જાતિ કે ધર્મ અનુયાયી માટે નથી. પરંતુ તેનો અમૂલ્ય ઉપદેશ સારાય વિશ્વ માટે છે. સાતસો શ્લોકની એવી શ્રીમદ્ ભગવદ્ ગીતાને કામધેનુ અને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. તેમાં મનુષ્ય માટેનો ઉચ્ચ આદર્શ નક્કી કરવામાં આવ્યો છે. અને તેને મેળવવા માટેનું સરળમાં સરળ સાધન પણ બતાવ્યું છે. જગતની તમામ ભાષાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનુવાદ થયેલો છે. હિન્દુ ધર્મનું પરમ શ્રેષ્ઠ ધાર્મિક ગ્રંથ છે કે જે ખુદ ભગવાનનાં મુખેથી કહેવાયું છે. અન્ય પુરાણોએ તથા શંકરાચાર્યે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વિશિષ્ટ મહાત્યમ ગાયું છે.
गीता शास्त्रं इदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् । विष्णोः पादं अवाप्नोति भय शोकादि वर्जितः ॥1॥
શ્રીમદ્ ભગવદ્ ગીતા દૈવી સાહિત્ય છે. જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના ઉપદેશોનું પાલન કરે છે, તેના પુણ્ય નો ઉદય થાય છે, અને તેને ભગવાન વિષ્ણુના ચરણો નો આશ્રય મળે છે કે જયા ભય કે ચિંતાને કોઈ સ્થાન નથી.
गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च । नैव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च ॥2॥
જે વ્યક્તિ ગંભીરતાથી શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વાંચન અને પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરે છે, તો તેના પર તેના અગાઉના જન્મોના પાપોનો કોઈ પ્રભાવ નથી રહેતો.
गीता सुगीताकर्तव्या किमन्यौ: शास्त्रविस्तरैः । या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिः सृता ॥3॥
શ્રીમદ્ ભગવદ્ ગીતા ને સારી રીતે સમજવી અને અનુસરવી જોઇએ, બીજું કોઈ સાહિત્ય વાંચવાની શું જરૂર છે? શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્વયં પદ્મનાભ ભગવાન વિષ્ણુના મુખમાંથી આવી હોવાથી માત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાજ પર્યાપ્ત છે, કારણ કે તે તમામ ગ્રંથોનો સારછે.
भारतामृतसर्वस्वं विष्णुवक्त्राद्विनिः सृतम । गीता- गङ्गोदकं पीत्वा पुनर्जन्म न विद्यते ॥4॥
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ મહાભારતનું અમૃત છે અને તેનું વર્ણન ભગવાન શ્રીકૃષ્ણ (મૂળ વિષ્ણુ) દ્વારા કરવામાં આવ્યું છે. તેથી, જે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી નું ગંગાજળ સમાન અમૃત પીવે છે તેને ફરી જન્મ લેવાની ફરજ નથી પડતી.
सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः । पार्थो वत्सः सुधिभोक्ता दुग्धं गीतामृतं महत् ॥5॥
આ ગીતોપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, જે તમામ ઉપનિષદોનો સાર છે, તે ગાય સમાન છે અને ગોવાળ તરીકે ઓળખાતા ભગવાન શ્રીકૃષ્ણ આ ગાયને દોવે છે. અર્જુન એક વાછરડા જેવા છે, અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અમૃત દૂધ પીનારા છે.
एकं शास्त्रं देवकीपुत्रगीतम् एको देवो देवकीपुत्र एव । एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा ॥6॥
એક જ શાસ્ત્ર પર્યાપ્ત છે — શ્રીમદ્ ભગવદ્ ગીતા. એક જ ભગવાન પર્યાપ્ત છે — દેવકીપુત્ર શ્રીકૃષ્ણ. એક જ મંત્ર પર્યાપ્ત છે — ભગવાનના પવિત્ર નામો. એક જ કર્મ પર્યાપ્ત છે — ભગવાનની નિષ્ઠાપૂર્વક સેવા.
ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તિપદાયની, અર્ધમાત્રા, ચિદાનન્દા, ભવત્રી, ભયનાશિન, વેદત્રયી, પરાઅવનતા, તત્વાર્થ, જ્ઞાાનમંજરી આ અઢાર નામો ગીતાજીનાં છે. આ નામોનો પણ નિત્ય જપ કરવાથી માનવી જ્ઞાાન સિદ્ધિને પામી અને પરમપદને પ્રાપ્ત કરે છે.
- ધ્યાન
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् । यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत: स्तुन्वन्ति दिव्यै: स्तवैर्वेदै: साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा: । ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदु: सुरासुरगणा देवाय तस्मै नम: ॥
જય શ્રી કૃષ્ણ
જ્યારે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા કહીએ છીએ ત્યારે તેનું અર્થ એ થાય છે કે: આ એક એવી દૈવી ગીત છે જે સ્વયં ભગવાને ગાયેલું છે. આ કોઈ સામાન્ય ગીત નથી, પણ એક આધ્યાત્મિક અને અદભુત સંવાદ છે, જે ભગવાન શ્રીકૃષ્ણે માનવ સમાજના કલ્યાણ માટે ગાયું હતું.